– ભાવનગર અને બોટાદ જિલ્લાને સાંકળતા રેલવે અને રસ્તાના પ્રશ્નનો હલ આવે તો લોકસુવિધા વધે
– ભાવનગરના નેકનામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલને ભારતરત્ન આપવા ફરી માંગ ઉચ્ચારાઈ, આલ્કોલ એશડાઉન ફરી શરૂ થવું જોઈએ
ભાવનગર : ભાવનગર અને બોટાદ જિલ્લાને સાંકળતા રેલવેના તેમજ રસ્તા-દબાણના વિવિધ પ્રશ્નોની હારમાળા સાથે કેન્દ્રીય રેલવે મિનિસ્ટરને રૂબરૂ રજૂઆત કરવામાં આવી છે.
ભાવનગર અને બોટાદ સૌરાષ્ટ્રના લોકોને ભગવાન રામલલ્લાના દર્શન કરવા ટ્રેન સુવિધાનો લાભ મળે તે માટે ભાવનગરથી અયોધ્યા સાપ્તાહિક ટ્રેન શરૂ થવી જોઈએ. આ ઉપરાંત ભાવનગર-સુરત વંદે ભારત ડેઈલી ટ્રેન, ભાવનગર-ધ્રાંગધ્રા-કચ્છ-ભુજ ડેઈલી ટ્રેન તેમજ ભાવનગર-ઓખા ટ્રેન કે જે હાલ ભાવનગરથી રાત્રે ૧૦ કલાકે ઉપડે છે અને સવારે ૧૧-૩૦ કલાકે દ્વારકા પહોંચાડતી હોય, બપોરે ૧૨ કલાકે દ્રારકાધીશનું મંદિર દર્શનાર્થે બંધ થઈ જાય છે. ટ્રેન બપોરે ૩ કલાકે પરત આવતી હોય, જેના કારણે શ્રધ્ધાળુઓને દર્શનનો લાભ લેવા માટે ફરજીયાત રાત્રિ રોકાણ કરવું પડે છે. ત્યારે યાત્રાળુઓની સુવિધા માટે ટ્રેનનો સમય ભાવનગરથી સાંજે ૭-૩૦થી ૮ વાગ્યા અને દ્વારકાથી પાંચ વાગ્યાની કરવા ભાજપના અગ્રણી અને પૂર્વ કોર્પોરેટર કિશોર ભટ્ટ સહિતનાઓએ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવને રજૂઆત કરી એવી માંગણી કરી હતી.
તેમણે ભાવનગર-સોમનાથ હાઈવેમાં મહુવાથી આગળના રસ્તાનું કામ શરૂ કરવા, ભાવનગર-અધેળાઈ-ધોલેરા-અમદાવાદના રસ્તાનું કામ ધોલેરાથી આગળ ધપાવવા, અંડરબ્રીજ, ઓવરબ્રીજના કામો, રેલ સુવિધાથી વંચિત જિલ્લાના તમામ તાલુકાઓ, બોટાદના ગઢડાને રેલવે લિકીંગ યોજના હેઠળ તેમજ ઘોઘા, તળાજા, મહુવાને સાગરમાળા યોજના હેઠળ સમાવવા, અલંગ શિપ યાર્ડને રેલવે યોજનામાં જોડવા, બોટાદ-પાળિયાદ-જસદણ-ગોંડલ રેલવેની સુવિધા પુનઃ અમલી કરવા, ભાવનગરના જવાહર મેદાનને રાજ્ય સરકાર/કોર્પોરેશન હસ્તક સોંપવા, ભાવનગરની આલ્કોક એશડાઉન કંપનીને ભારત સરકાર હસ્તક પુનઃ શરૂ કરવા, ભાવનગરને મરિન યુનિવર્સિટી આપવા, શહેરના મુખ્ય માર્ગો પર વિકાસને રૂંધતા રેલવેના દબાણો દૂર કરવા તેમજ દેશને પ્રથમ રજવાડું અર્પણ કરનારા ભાવનગરના નેકનામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલને ભારતરત્ન આપવાની માંગ દોહરાવવામાં આવી હતી.