Sardar Sarovar Dam Overflow : ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ મંગળવારે 138.88 મીટર સુધી એટલે કે તેની મહત્તમ સપાટી સુધી સંપૂર્ણ ભરાઈ ગયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેવડિયા આવી અમૃત મુહૂર્તમાં 12:39 વાગ્યે નર્મદા નીરના વધામણાં કરશે. ડેમ મંગળવારે સિઝનમાં પહેલીવાર છલોછલ 100 ટકા ભરાઈ ગયો છે.
મુખ્યમંત્રી નર્મદા મૈયાની કરશે આરતી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમૃત મુહૂર્તમાં બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે નર્મદા નીરને ચૂંદડી, શ્રીફળ, કંકુ, ચોખા અર્પણ કરીને પૂજા કરશે. નર્મદા નીરના વધાણણાં કરીને મુખ્યમંત્રી નર્મદા મૈયાની આરતી કરશે. જેની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.
હાલ સરદાર સરોવર ડેમ છલોછલ ભરાઈ ગયો છે. નર્મદા નિગમના તમામ અધિકારીઓ નર્મદા ડેમ પર આવી ગયા છે. ડેમમાં પાણીની સપાટી જાળવવા એક દરવાજો 1.30 મીટર ખુલ્લો રાખ્યો છે. સરદાર સરોવર ડેમ પૂર્ણ સપાટી 138.68 મીટર સુધી છલોછલો ભરાયો છે. ડેમમાં હાલ 82,408 ક્યુસેક પાણીની આવક છે. ડેમમાંથી હાલ 5 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી મુખ્ય કેનાલમાં 4364 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ટર્બાઇન મારફતે 40,930 ક્યુસેક પાણીની જાવક છે.
પાંચમી વખત છલોછલ ભરાયો ડેમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 17 સપ્ટેમ્બર, 2017ના દિવસે ડેમ પર ગેટ લાગ્યા બાદ ડેમનું લોકાર્પણ કર્યું હતું. ડેમને 15 સપ્ટેમ્બર 2019માં પહેલી વખત 138.67 મીટર સુધી સંપૂર્ણ ભરવામાં આવ્યો હતો. આજે ડેમ પાંચમી વખત સંપૂર્ણ ભરાઈ ગયો છે. મુખ્યમંત્રી સવારે કેવડિયા એકતાનગર આવી નર્મદા નીરના વધામણાં કરવાની સાથે 31 ઑક્ટોબરના દિવસે યોજાનાર રાષ્ટ્રીય એકતા પરેડ ગ્રાઉન્ડનું પણ નિરીક્ષણ કરશે.
નદી કાંઠાના વિસ્તારોને ચેતવણી
નર્મદા ડેમમમાંથી પાણી છોડવામાં આવતું હોવાથી તંત્ર દ્વારા નદી કાંઠાના લોકોને ચેતવણી આપવામાં આવી છે. નદી કાંઠે વસતા ગામના લોકોને નદી કિનારે ન જાય તેવી સૂચના આપવામાં આવી છે. આ સિવાય જો કોઈ નુકસાનની ઘટના જણાય તો તુરંત જિલ્લાના ડિઝાસ્ટર કંટ્રોલરૂમમાં જાણ કરવા જણાવવામાં આવ્યું છે.