હાઈકોર્ટની વારંવારની ટકોરને તંત્ર ઘોળીને પી ગયું
મહાનગરપાલિકા બની છતાં શહેરમાં રખડતા પશુઓના ત્રાસથી શહેરીજનોમાં ફફડાટ ઃ અગાઉ પણ પશુઓએ અડફેટે લેતા લોકોને ઇજા થઇ હતી
આણંદ: આણંદ રેલવે સ્ટેશનની બહાર ઉભેલા ૭૫ વર્ષીય વૃદ્ધને આખલાએ શીંગડે ભરાવી ઉછાળીને ફેંકતા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આણંદ શહેરમાં રખડતા પશુઓની સમસ્યાનો ઉકેલ લાવવા અનેકવાર તંત્રને રજૂઆતો કરવા છતાં તંત્રના આંખ આડા કાનના કારણે અનેક નાગરિકો ભોગ બની રહ્યા હોવાનો રોષ શહેરીજનોએ ઠાલવ્યો હતો. તેમજ હાઈકોર્ટની ટકોરને પણ અગાઉ નગરપાલિકા અને હવે મહાનગરપાલિકા તંત્ર ઘોળીને પી ગયું હોવાના આક્ષેપ નાગરિકોએ લગાવ્યા છે.
આણંદના પોલસન ડેરી રોડ પર રહેતા ઉસ્માનગની ઈબ્રાહીમભાઈ વ્હોરા (ઉં.વ.૭૫) શુક્રવારે સવારે આણંદ રેલવે સ્ટેશનની બહારના ભાગે ઉભા હતા. તે સમયે અચાનક આખલો ત્યાં આવી ચડયો હતો અને વૃદ્ધને શીંગડે ભરાવી ઉછાળીને ફેંકી દીધા હતા. બનાવને પગલે સ્થાનિકો એકઠા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત વૃદ્ધને તાત્કાલિક આણંદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે આણંદની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.
શહેરના રેલવે સ્ટેશન ઉપરાંત બસ સ્ટેશન, લોટિયા ભાગોળ સહિતના મોટાભાગના વિસ્તારોમાં રખડતા પશુઓનો ત્રાસ વધ્યો છે. રસ્તે રખડતા પશુઓના કારણે વાહનચાલકો અને રાહદારીઓ માટે જોખમ ઉભું થઈ રહ્યું છે. હાઈકોર્ટ દ્વારા ભૂતકાળમાં અનેક વખત ટકોર કરવામાં આવી હોવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં પોઢ્યું હોવાના આક્ષેપ નાગરિકોએ લગાવ્યાં હતાં.
દસેક દિવસ પૂર્વે આણંદ નગરપાલિકાના વિપક્ષના કાઉન્સિલરો, સામાજિક આગેવાનો સહિત શહેરીજનો દ્વારા આણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતા પશુઓના ત્રાસ અંગે સત્તાધીશો સમક્ષ ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી. અગાઉ પણ અનેક વખત આ મુદ્દે રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સ્થિતિ જૈસે થે છે. ત્યારે આણંદ નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં પરિવર્તિત થઈ ગઈ હોવા છતાં શહેરમાં રખડતા પશુઓની સમસ્યાનો ઉકેલ લાવવામાં તંત્રને રસ ન હોવાના આક્ષેપ નાગરિકોમાંથી ઉઠી રહ્યાં છે.