Last Updated:
સાવરકુંડલા કબાડી બજારમાં આલ્ફાઝ હાલારી ફોર-વ્હીલર કારના સસ્તા અને ટકાઉ ટાયર વેચે છે. 500-2,000 રૂપિયામાં ઉપલબ્ધ છે. ટાયર 30,000 કિમી સુધી ચાલે છે. આ બજાર લોકો માટે સસ્તો વિકલ્પ છે.
અમરેલી: અમરેલી જિલ્લાનું મહત્વપૂર્ણ શહેર સાવરકુંડલા હવે માત્ર ખેતી અથવા પેઢીઓના વેપાર માટે જ જાણીતું નથી, પરંતુ અહીંનો મહુવા રોડ ઉપર આવેલો કબાડી બજાર પણ ખાસ ઓળખ મેળવી રહ્યું છે. અહીં મોટી સંખ્યામાં લોકો ફોર-વ્હીલર વાહનો માટેના સ્પેરપાર્ટ્સ અને ટાયર સસ્તા ભાવે ખરીદવા માટે આવે છે. ખાસ કરીને તેમની માંગ વધુ હોય છે, જે કારના ટાયર બદલવા માગે છે, પણ નવા ટાયરનો ખર્ચ ઉઠાવી શકતા નથી. તેના માટે સારો વિકલ્પ છે.
આલ્ફાઝ હાલારી એવી જ એક દૃષ્ટિ લઈને આ ક્ષેત્રમાં પ્રવેશ્યા છે. તેમણે જણાવ્યું કે તેઓએ 12 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે અને હવે પોતાના પિતાજી સાથે મળીને ફોર-વ્હીલર કાર સ્ક્રેપના વેપાર સાથે જોડાયા છે. ખાસ કરીને સ્ક્રેપમાંથી નીકળતા સારા કન્ડિશનના ટાયરનું વેચાણ તેઓ કરે છે, જે લોકો માટે નવું ટાયર ખરીદવાનો સસ્તો વિકલ્પ પૂરો પાડે છે.

આલ્ફાઝભાઈના મતે, તેમના સ્ટોકમાં બધા જ પ્રકારની કાર માટેના ટાયર ઉપલબ્ધ હોય છે, જેમ કે ઇનોવા, XUV, એન્ડેવર, આર્ટિગા અને સિડાન કાર. અહીંથી લોકોને 500 રૂપિયાથી 2,000 રૂપિયાની રેન્જમાં ટાયર મળી રહે છે. આ ટાયર પ્રખ્યાત કંપનીના હોય છે, જેમ કે એપોલો, યોકોહામા, MRF, બ્રિજસ્ટોન અને અન્ય બ્રાન્ડ્સ. આ ટાયર મોટાભાગે 50% કરતાં પણ વધુ સારી સ્થિતિમાં હોય છે અને સફળતાપૂર્વક 30,000 કિમી સુધી ચાલે એવી તેની અંદાજિત ક્ષમતા હોય છે. મહુવા રોડ ઉપર આવેલા કબાડી બજારમાં આવતી-જતી સામાન્ય જનતા માટે આ ટાયર ખૂબ જ આકર્ષણનો વિષય બનેલા છે.

ખાસ કરીને ગામડાંના વિસ્તારમાં રહેતા લોકો કે જ્યાં વાહન ચલાવવું સામાન્ય છે, પણ ખર્ચો પ્રતિબંધરૂપ બને છે, એવા લોકો માટે આ પ્રકારના રિયુઝેબલ ટાયર ઘણો સારો વિકલ્પ પૂરો પાડે છે. વ્હીકલ સર્વિસ કરાવનારા મેકેનિક્સ અને ગેરેજ માલિકો પણ આવા ટાયર ખરીદવા માટે કબાડી બજારમાં મુલાકાત લે છે. આલ્ફાઝભાઈ કહે છે કે તેઓ મહિને અંદાજિત 30 થી 50 ટાયરનું વેચાણ કરે છે. ગ્રાહકોને સાચી કિંમતમાં સારી કન્ડિશનના ટાયર મળે એ માટે તેઓ દરેક ટાયરની સાવધાનીપૂર્વક તપાસ કરી પછી જ વેચાણ કરે છે. તેમના માટે ગ્રાહકનો ભરોસો સૌથી મોટું મૂલ્ય છે.
સાવરકુંડલાની આ કબાડી બજાર આજે માત્ર સ્ક્રેપનો વેપાર નથી, પણ ત્યાંથી ઘણા લોકોને સસ્તા અને ટકાઉ સ્પેરપાર્ટ્સનો ભરોસાપાત્ર સ્ત્રોત મળતો થયો છે. આલ્ફાઝભાઈ જેવા યુવાનોએ તેમનો વ્યવસાયિક વિચાર અને શ્રમ વડે ઘણાં પરિવારો માટે ઉપયોગી વ્યવસ્થા ઊભી કરી છે. ફોર-વ્હીલર વપરાશકર્તાઓ માટે, ખાસ કરીને જે લોકો નવા ટાયરનો ખર્ચ ઉઠાવી શકતા નથી, તેમના માટે આ વ્યવસાય એક આશાસ્પદ વિકલ્પ બની રહ્યો છે.
June 24, 2025 3:09 PM IST
[ad_1]
Source link