રાજકોટથી આવી, લગ્ન કર્યા અને રૂપિયા લઈ ચાલી ગઈ: જામનગરમાં ‘લૂંટેરી દુલ્હન’ ગેંગનો પર્દાફાશ | complaint filed against 6 including marriage bureau manager and middleman in looteri dulhan case

0
4

Jamnagar : જામનગરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં રાજકોટની એક ‘લૂંટેરી દુલ્હન’ ગેંગનો શિકાર બનીને એક યુવાને રૂ. 1.80 લાખ ગુમાવ્યા છે. લગ્નના બે દિવસના રોકાણ બાદ આ યુવતીએ પોતે પરણિત હોવાનું જણાવી, જો અહીં રોકાશે તો આપઘાત કરી લેશે તેવી ધમકી આપીને રાજકોટ પરત ચાલી ગઈ હતી. આ મામલે ‘લૂંટેરી દુલ્હન’, લગ્ન કરાવનાર જામનગરના મેરેજ બ્યુરોના સંચાલિકા, અને રાજકોટના વચેટિયાઓ સહિત કુલ છ વ્યક્તિઓ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે.

લગ્નના નામે છેતરપિંડીનો મામલો

આ બનાવની વિગત મુજબ, જામનગરમાં પટેલ કોલોની શેરી નંબર 9 માં રહેતા અને દવાની કંપનીમાં એમ.આર. તરીકે ફરજ બજાવતા 46 વર્ષીય જીગ્નેશભાઈ ગુણવંતરાય ખેતિયા નામના વિપ્ર યુવાને પોતાની સાથે લગ્નના નામે છેતરપિંડી કરી રૂ. 1.80 લાખ પડાવી લેવા અંગે રાજકોટની લૂંટેરી દુલ્હન નૂરી, જામનગરના મધુરમ રેસિડેન્સીમાં રહેતા મેરેજ બ્યુરોના સંચાલિકા નીતાબેન ખેતિયા, ઉપરાંત રાજકોટના વચેટિયાઓ મુકેશભાઈ મકવાણા, સબીરભાઈ નાગોરી, અને લૂંટેરી દુલ્હનના ભાઈ અને ભાભી સહિત કુલ છ વ્યક્તિઓ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ફરિયાદી જીગ્નેશભાઈ ખેતિયાના પ્રથમ પત્ની સાથે છૂટાછેડા થઈ ગયા હતા. તેમને બે સંતાનો હોવાથી તેમની અને પોતાની માતાની સારસંભાળ રાખવા માટે તેઓ બીજા લગ્ન કરવા ઈચ્છતા હતા. આ માટે તેમણે જામનગરના નીતાબેન ખેતિયાનો સંપર્ક કર્યો હતો. નીતાબેને રાજકોટની નૂરી નામની યુવતી, જે પોતે પંજાબી હોવાનું ઓળખાણ આપી, તેની સાથે રૂ. 1.80 લાખમાં લગ્ન કરવાનું નક્કી કરાવ્યું. નીતાબેને રાજકોટના મુકેશભાઈ ભીખાભાઈ મકવાણા અને સબીરભાઈ નાગોરીના સંપર્કથી નૂરી સાથે લગ્ન ગોઠવ્યા હતા, જેમાં બંને પક્ષે પસંદગી કરવામાં આવી હતી અને નૂરીબેનના ભાઈ-ભાભી પણ જોડાયા હતા.

લગ્ન બાદ બે દિવસમાં જ ‘ડ્રામા’ શરૂ

ગત 25 મે, 2025ના રોજ સાંજે રાજકોટથી આવેલા તમામ લોકોએ જામનગરમાં જીગ્નેશભાઈ સાથે નૂરીના રજિસ્ટર મેરેજ કરાવ્યા હતા. આ ઉપરાંત, મંદિરમાં પણ લગ્નવિધિ સંપન્ન કરવામાં આવી હતી. લગ્ન થયા બાદ રૂ. 1.80 લાખની રકમના ભાગ પાડી લેવાયા હતા. જેમાં નીતાબેનને રૂ. 20,000, મુકેશભાઈને રૂ. 1,20,000 મળ્યા હતા, જ્યારે બાકીની રકમ નૂરી તથા તેના ભાઈ-ભાભીને આપી દેવાઈ હતી.

લગ્ન બાદ નૂરીબેન પત્ની તરીકે જામનગરમાં જીગ્નેશભાઈના ઘરે બે દિવસ રોકાયા. ત્યારબાદ તેમણે અચાનક ખાવા-પીવાનું બંધ કરી દીધું અને પોતે પરણીત હોવાનું, તેમજ અહીં ન રહેવું હોવાનું જણાવી નાટક કરવા માંડ્યા. અંતે, પોતે મરી જવાનો ડર બતાવીને તે રાજકોટ પરત ચાલી ગઈ હતી.

પૈસા પરત આપવાનો ઇનકાર અને ધમકીઓ

જીગ્નેશભાઈએ પોતાને લગ્ન કરાવી દેનાર નીતાબેન ઉપરાંત રાજકોટના મુકેશ મકવાણા અને સબીરભાઈ નાગોરીનો સંપર્ક કર્યો. નૂરી અને તેના ભાઈ-ભાભી સહિતના લોકોએ પૈસા પરત આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. પૈસા પરત આપવાના નામે વિવિધ નાટકો ચાલ્યા. આ દરમિયાન, જીગ્નેશભાઈને રૂ. 1 લાખનો એક ચેક અપાયો હતો, પરંતુ તે ચેક બેંકમાં જમા ન કરાવવા માટે ઉપરોક્ત તમામ દ્વારા ધમકીઓ પણ આપવામાં આવી હતી.

આખરે, જીગ્નેશભાઈએ ગઈકાલે પોતાની સાથે થયેલી આ છેતરપિંડી અંગે રાજકોટની લૂંટેરી દુલ્હન નૂરી, જામનગરના નીતાબેન ખેતિયા, મુકેશ મકવાણા, સબીરભાઈ નાગોરી, અને નૂરીના ભાઈ-ભાભી સહિત કુલ છ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પી.એસ.આઈ. જે.પી. સોઢા અને રાઈટર રાણાભાઈ આંબલીયા આ મામલે વધુ તપાસ ચલાવી રહ્યા છે અને તપાસનો દોર રાજકોટ સુધી લંબાવવામાં આવ્યો છે.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here