Last Updated:
અમરેલી જિલ્લાના વનોટ ગામના ખેડૂત જેન્તીભાઈ ગેડિયાએ હિમાચલ પ્રદેશની જેમ સફરજનની સફળ ખેતી કરી છે. 55 વર્ષના જેન્તીભાઈએ 18 વીઘામાં સફરજન, ડ્રેગન ફળ અને અન્ય પાકો ઉગાડ્યા છે.
અમરેલી: અમરેલી જિલ્લામાં ખેડૂતો ખેતીમાં મોટી પ્રગતિ કરી રહ્યા છે. વનોટ ગામના ખેડૂત જેન્તીભાઈ કરશનભાઈ ગેડિયાએ હિમાચલ પ્રદેશમાં થતી સફરજનની સફળ ખેતી કર્યાની માહિતી છે. તેઓ આગામી 4 મહિનામાં બજારમાં સફરજનનું વેચાણ શરૂ કરશે. જેન્તીભાઈ (ઉંમર 55) એ BE સિવિલ અભ્યાસ કર્યો છે અને મુંબઈમાં સિવિલ કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા હતા. હવે નિવૃત્ત થઈને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. તેઓ 18 વીઘામાં સફરજન, ડ્રેગન ફળ અને અન્ય પાકોનું વાવેતર કરીને સારું આર્થિક વળતર મેળવી રહ્યા છે.
જેન્તીભાઈએ જણાવ્યું કે કચ્છ અને મહારાષ્ટ્ર વિસ્તારોમાં 44 ડિગ્રી તાપમાનમાં ઉગતા સફરજન જોયા હતા અને ખેડૂતને મળ્યા હતા. બાદમાં સાવરકુંડલાના વનોટ ગામમાં પોતાની જમીનમાં સફરજનનું વાવેતર કર્યું. હિમાચલ પ્રદેશમાંથી હરમન 44 જાતના સફરજન મંગાવાયા હતા. જે 44 ડિગ્રી તાપમાનમાં પણ ઉગે છે અને ફળ આપે છે. મહારાષ્ટ્ર અને કચ્છની મુલાકાત દરમિયાન, તેમણે અહીંના સફરજનના ફળો જોયા હતા. અભ્યાસ કર્યા પછી, રૂપિયા 600માં એક છોડ ખરીદ્યો અને 416 છોડ હિમાચલ પ્રદેશમાંથી મંગાવીને વાવેતર કર્યું હતું.

જેન્તીભાઈએ વધુમાં જણાવ્યું કે અમરેલી જિલ્લામાં તેમના દ્વારા સફરજનની ખેતી કરવામાં આવી છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને અન્ય વિવિધ યુનિવર્સિટીઓને માહિતી મેળવ્યા બાદ આ સફરજનનું વાવેતર શરૂ કરાયું હતું. સફરજનની ખેતીમાં સંપૂર્ણપણે પ્રાકૃતિક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં કોઈપણ પ્રકારની દવા કે ખાતરનો ઉપયોગ કરાયો નથી, માત્ર ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરીને સફરજનનું ઉત્પાદન મેળવવામાં આવ્યું છે.
વનોટ ગામમાં પ્રાકૃતિક ખેતી કરી સફરજનના 400 છોડ વાવ્યા છે. હાલ આ સફરજન 4 વર્ષના થતાં ફળ આવ્યા છે. દરેક છોડમાં 40 થી 60 સફરજનનાં ફળ આવ્યા છે અને હાલ ફ્રૂટ સેટિંગ ચાલી રહ્યું છે. આગામી સમયમાં આ સફરજનનું માર્કેટમાં વેચાણ કરવામાં આવશે. પ્રથમ વર્ષમાં 5 મણ ઉત્પાદન થવાની અપેક્ષા છે. ભવિષ્યમાં વધુ ઉત્પાદનની સંભાવના છે. માર્કેટમાં એક કિલોના 100 રૂપિયા ભાવ મળવાની આશા છે.
June 03, 2025 10:54 AM IST