Last Updated:
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક બાંગ્લાદેશી ઘૂસણખોર મહિલાની ધરપકડ કરી છે. જોકે આ મહિલાની ધરપકડ બાદ અમુક ચોંકાવનારી હકીકત સામે આવી છે. જેમાં મહિલાના પતિને પણ આ વાતની ખબર ન હતી કે તેની પત્ની બાંગ્લાદેશી છે.
અમદાવાદ: શહેરમાં પોલીસે એક બાંગ્લાદેશી મહિલાને ઝડપી પાડી છે. 500 જેટલા શંકાસ્પદ પાસપોર્ટ અંગે તપાસ કરી હતી જેમાં ક્રાઈમ બ્રાંચ દ્વારા એક મહિલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ મહિલા બાંગ્લાદેશી હોવા છતાં ભારતીય હોવાના તમામ પુરાવા એકઠા કરી પાસપોર્ટ મેળવ્યો હતો અને તેના આધારે વિદેશ પ્રવાસ પણ કર્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે મહિલા પોતે બાંગ્લાદેશી છે તે પણ ભૂલી ગઈ હોવાનો ડોળ કરતી હતી. જોકે તપાસમાં તેનો પરિવાર બાંગ્લાદેશ હોવાનું સામે આવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અને શંકાસ્પદ બાંગ્લાદેશીઓએ બનાવેલા પાસપોર્ટની તપાસ કરતા પોલીસે પહેલો ગુનો નોંધ્યો છે.
ક્રાઈમ બ્રાંચને 500 જેટલા પાસપોર્ટની વિગત આપવામાં આવી હતી. જે અંગે તપાસ કરતા ક્રાઈમ બ્રાંચે ઝરણા અખ્તર શેખ કે જે ભારતમાં ઝોયા બનીને વર્ષ 2014થી રહેતી હતી. ઝરણા ઉર્ફે ઝોયાએ વર્ષ 2016માં અમદાવાદ આવીને વસવાટ કર્યો હતો અને વર્ષ 2017માં યુનુસ નામના વ્યક્તિ સાથે સંપર્ક કેળવી તેના બનાવટી આધાર કાર્ડ અને ઈલેક્શન કાર્ડ બનાવ્યા હતા.
સાથે જ તેણે ઉત્તરપ્રદેશમાં તેનો જન્મ થયો હોવાનું જન્મનું પ્રમાણપત્ર પણ મેળવ્યું હતું, જેની પોલીસ તપાસ કરી રહી છે. ઝોયાએ અમદાવાદ આવી એવી સ્ટોરી ઉપજાવી હતી કે, તે મૂળ યુપીની છે. અને પારિવારિક તકરારમાં મુંબઈ ગઈ તે બાદ અમદાવાદ આવી છે અને એ જ 2 વર્ષના સમયમાં બનાવટી દસ્તાવેજ અને ભાડા કરારના આધારે પાસપોર્ટ માટે અરજી કરી હતી, જે અંગે નારોલ પોલીસે તેનો નેગેટીવ રિપોર્ટ આપ્યો હોવા છતાં સમય મર્યાદાના કારણે તેને પાસપોર્ટ મળી ગયો છે.
મહત્વનું છે કે ઝોયાએ વર્ષ 2009માં નારોલ જે કર્ણાવતી સોસાયટીનું સરનામું લખ્યું હતું તે વર્ષ 2012માં બની હતી. તેમ છતાં તેને પાસપોર્ટ પણ મળી ગયો છે. બનાવટી દસ્તાવેજના આધારે મેળવેલા પાસપોર્ટની મદદથી ઝોયા ઉર્ફે ઝરણા શેખ સાઉદી પણ ગઈ હતી, જ્યાં તેણે 10 મહિના નોકરી પણ કરી, આ ઉપરાંત સાઉથ ઈસ્ટ એશિયા અને 3 વખત બાંગ્લાદેશ પણ ફરવા ગઈ હોવાનું સામે આવ્યું છે. ક્રાઈમ બ્રાંચે જ્યારે ઝોયાની તપાસ કરી ત્યારે તેની પાસેથી બાંગ્લાદેશી અને સાઉદીના ચલણ પણ મળી આવ્યા છે. સાથે જ તેનો ભાઈ બાંગ્લાદેશના ઠાકામાં રહેતો હોવાનું અને તેના દસ્તાવેજ બનાવટી હોવાનું પણ સામે આવ્યું છે. જે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે મહિલા આરોપીએ ગેરકાયદે વસવાટની સાથે તેણે જુહાપુરાના યુવક સાથે લગ્ન પણ કર્યા છે જે બાદ તેને સંતાન પણ હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ ઝોયાનો પતિ પણ એ વાત જાણતો ન હતો કે તેની પત્ની બાંગ્લાદેશી છે અને ગેરકાયદે ભારતમાં વસવાટ કરે છે. જ્યારે પોલીસ તેની તપાસ કરવા પહોંચી ત્યારે હકીકત સામે આવી કે તે મૂળ બાંગ્લાદેશના ઠાકાની વતની છે અને પોલીસે તેની તપાસ માટે 18 તારીખ સુધીના રિમાન્ડ પણ મેળવ્યા છે. જેમાં ઘણી નવી હકીકત સામે આવી શકે છે.
Ahmedabad,Gujarat
May 12, 2025 10:54 PM IST